અમૃતધારા 11-06-1984
- Home
- બ્લોગ
- અમૃતધારા 11-06-1984
દર્પણ શબ્દ નો દર્પ સાથે કોઈ વ્યુત્પાતિ મુલક સંબંધ જાણ્યો નથી છતાં દર્પણ માણસ નો દર્પ પોષવાના સાધન તરીકે વપરાય છે. એ ચોક્કસ દર્પણ ને સંસ્કૃત માં ‘આદર્શ’ કહે છે. આદર્શ નો અર્થ અરીસો-આરસો -ચાટલો-આયનો થાય છે. પરંતુ સંસ્કૃત સાહિત્ય માં પણ આદર્શ – અરીસો પોતાનું પ્રતિબિંબ જોવાને માટે અને વધારે ને વધારે શોભમાન બનવા ને માટે છે એમ કહેવાયું છે. ‘કુમારસંભવ’ માં કવિ કાલીદાશ કહે છે : “આત્માનમ આલોકય ચ શોભમાં આદર્શ બિંબે સ્તિમિતયતાક્ષી”. આદર્શ માં પોતાનું પ્રતિબિંબ જોઈને, સ્તબ્ધ થયેલી આંખ વાળી, શોભતી હતી.
આપણા રોજિંદા વ્યવહાર માં પણ અરીસા નો ઉપયોગ કદાચ આવો જ થાય છે. હરતા ફરતા માણસ-પુરુષ અને સ્ત્રી બંને અરીસા માં પોતાનું મોં જોઈ લે છે. ક્યાંક થોડાક ટાપટીપ પણ કરી લે છે. કોલેજો માં ઘણીવાર વિદ્યાર્થી નોટિસ-બોર્ડ ના કાચ માં પોતાને જેવો દેખાય તેવો ચહેરો જોઈને ટાપટીપ કરતાં, માથા ના વાળ હોળી લેતા દેખાય છે અને વિદ્યાર્થીનીઓ તો પોતાના પર્સ માં ચાંદલા નો નાનકડો ટુકડો રાખતી હોય છે અને વખત મળે એટલે જરૂર હોય કે ના હોય તો પણ વિવિધ રીતે ટાપટીપ કરી લે છે. આમ દર્પણ માણસ ના દર્પ ને પોષવાનું અને વધારવાનું કામ કરે છે. સરેરાશ આયુષ્ય ની અવધમાં માણસ અરીસા સામે કેટલા કલાકો વિતાવે છે એવો હિસાબ માંડી જોવા જેવો છે. આમ આપણા જીવનચર્યા માં ઘણી બધી વસ્તુઓની સાથે અરીસો અનિવાર્ય બની ને જડાઈ ગયેલું સાધન છે. એના વિના સુંદરીઓના પ્રસાધનો થઇ શકતા નથી. નાટક-સિનેમા ના મેક-અપ થઇ શકતા નથી. માણસ ની દિનચર્યા અરીસા માં જોઈને દાંત સાફ કરવાથી પ્રક્રિયા શરુ થાય છે.
અરીસો આમ માનવજીવન ની ચર્યાનું સાધન છે અને તે માણસ છે તેવો પણ બતાવે છે અને મેક-અપ કર્યા પછી માણસ કેવો દેખાય છે તે પણ બતાવે છે. આપણા માંથી ઘણા ને મેક-અપ કર્યા પછી ની આપણી પ્રતિકૃતિ જોવાનું ગમતું હોય છે. અરીસા નો સૌથી મોટો ઉપયોગ આમ છલ ના માટેજ થાય છે. જેવું છે તેવું જોવા ને બદલે આપણે જે જોવું છે, ને ગમે છે તે જોઈએ છીએ અને વાસ્તવ માં યથાઈ ન હોય તો પણ હેતવારોપણ કરીને, આભાસ ઉભો કરીને ઇપ્સિત વસ્તુ જોવાનો ડોળ કરીએ છીએ. તેથી જ તો કોઈકે કહ્યું છે, “મુખડા ક્યાં દેખો દર્પણમેં, ક્યાં ધર્મ નહિ હૈ મન મેં “
આપણા સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણભાઈ નીલકંઠે ‘રાઇ નો પર્વત’ માં મનુષ્યની આ વૃત્તિ ઉપર સરસ કટાક્ષ કર્યો છે. નાટક ના નાયક રાઈ ને દર્પણ સંપ્રદાય ના માણસો મળી જાય છે અને કહે છે: “મુખ દેખ દર્પણે નિત્ય તોળતા હાટે; મુખ દેખ દર્પણે નિત્ય બોલતા વાણી; મુખ દેખ દર્પણે નિત્ય સુણતાં કહાણી; નિજરૂપ દર્પણે દેખી કામ સહુ કરજે; લઇ આંખી આપની પહેલી અન્ય ભણી વળજે.”
માણસ જો દર્પણનો ઉપયોગ છલના માટે કે આત્મવંચના માટે કરતો હોય તો એમાં દર્પણ નો શો વાંક? માણસ ને એના ધોળા વાળ નું પ્રથમ દર્શન દર્પણ માં થાય છે, એના શરીર ઉપર આવતા વાધકિયના પ્રથમ ચિહ્નો એને દર્પણ માં દેખાય છે. સમય ના કાળબળ ની ધીરે પણ ચોક્કસ રીતે પ્રસરતી જતી અસરનાં પ્રથમ દર્શન પણ એને દર્પણ માંજ થાય છે. પરંતુ પર્યાપ્ત પ્રતિબિંબ જોવાને માટે દર્પણની સ્વચ્છતા પણ એટલીજ અનિવાર્ય છે. અસ્વચ્છ દર્પણ હંમેશા અસ્વચ્છ પ્રતિબિંબ જ પાડતું હોય છે.
આપણા સાક્ષરવર્ય નરસિંહરાવે મન ને દર્પણ સાથે સરખાવી મનોમુકુર શબ્દ યોજાયો છે. મન પણ દર્પણ નું જ કાર્ય કરે છે. માણસ દર્પણ માં જુએ અને પછી પોતાના મન માં જુએ અને વસ્તુ ને એના સાચા સ્વરૂપ માં જોવાનો પ્રયત્ન કરે એ જરૂરી છે. દર્પણ વસ્તુ નું છે તેવું સ્વરૂપ બતાવે છે. તેથી સ્વરૂપ જ છે તે રીતે જોવાનો અને સ્વીકારવાનો અને માનોમુકુરમાં ઉતારવાનો અભ્યાસ માણસે કરવો જોઈએ. માણસ જો પોતાનું સાચું ભૌતિક સ્વરૂપ જુએ અને સ્વીકારે અને પછી મનોમુકુર માં ડોકિયું કરી મન-બુદ્ધિ નું સાચું સ્વરૂપ સ્વીકારે તો આ જગત ને અને જગત ના લોકો ને સમજવાને એ શક્તિમાન થાય અને તેથી જ રમણભાઈ એ કહ્યું છે: “લઇ રાખી આપની પહેલી અન્ય ભણી વળજે .” અને એમ થાય તો દર્પણ દર્પનું નહિ પણ ઉદ્ધાર નું સાધન બને. દર્પણ સ્થૂળ અને સુક્ષ્મ બંને ચક્ષુઓ ઉઘાડી શકે.