શ્રી કુંજવિહારી મહેતા

પરિચય:

કે. સી. મહેતાના નામનો દક્ષિણ ગુજરાતમાં જે પ્રભાવ હતો તેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. “શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ” ની ગુજરાતમિત્રમાં મંગળવારની કોલમ દ્વારા વર્ષો સુધી સંકળાયલા સમાજે એમને એક મુઠી ઊંચેરા માનવી તરીકે પ્રસ્થાપિત કરેલા, 1960થી 1994 દરમ્યાન સતત વણથંભી એમની કલમ વડે એમણે શિક્ષણના અને સમાજના અનેક પ્રશ્નોને વાચા આપી. નીડરતાથી કોઈની પણ શેહશરમ વિના ધારદાર ભાષામાં એમના લખાણોનો એક વિશેષ પ્રભાવ પડતો. શિક્ષણ સિવાય પણ અનેકાનેક વિષયો પર મહેતાસહેબને શું કહેવું/માનવું છે?. એ જાણવાની ઉત્કાંઠતા રાખતો એક બહુ મોટો બુદ્ધિજીવી વર્ગ હતો. સમાજના નબળા વર્ગો અને બાળકો પરત્વે એમની વિશેષ સહાનુભુતિ રહેતી.

વ્યવસાયે પ્રાધ્યાપક હોવાને કારણે યુવાપેઢી સાથેનો એમનો સંબંધ સુપેરે જળવાયલો રહ્યો, કડક શિસ્તપાલનના આગ્રહી વ્યક્તિ આટલી લોકપ્રિય થઇ શકે એ સમજવું મુશ્કેલ છે. પ્રાધ્યાપક તરીકેની એમની અનેરી પ્રતિભાનું એમનું આગવું પાસું હતું એમનો જ્ઞાનવૈભવ અને એમની વકતૃત્વશક્તિને કારણે કોઈપણ પ્રકારનો શ્રોતાગણ હોય એને સાંભળવાનું ગમે, આવી શૈલી અને સરળ ભાષાના એ સ્વામી હતાં.

સાર્વજનિક એજયુકેશન સોસાયટીના માનદ મંત્રીપદે 1961થી આજીવન એટલે 1994ના જાન્યુઆરી ની 30મીએ અવસાન થયું ત્યાં સુધીની એમની સંનિષ્ઠ સેવા એક અનન્ય ઉદાહરણ છે. સોસાયટીનું સંચાલન એમના વ્યક્તિગત પ્રભાવને કારણે એમને માટે સહજ બની રહેતું. વર્ષો સુધી સોસાયટીનો પર્યાય બની રહ્યા.

સરળતા એમની સ્વભાવગત હતી અને સાદગી એમનું આભુષણ હતું, નિવૃત્તિ પછી પણ તરવરાટ ભરી યુવાનોને પણ શરમાવે એવી ઉતાવળી ચાલ અને ત્વરિત નિર્ણયશક્તિ ને કારણે વધતી ઉમરને પણ વશમા રાખી શક્યા હતા. 71 વર્ષે પણ સુરતના ટ્રાફિકમાં સાઇકલ ચલાવતા એટલી શારીરરક તંદુરસ્તી એમની નિયમિતતા અને શિસ્તમય જીવનશૈલીને આભારી હતી. પરંતુ કાળને તે કહીએ શું? 30મી જાન્યુઆરી 1994ના દિવસે ઉતાવળે ચાલી નીકળ્યા.

એમના જીવન અંગેની તમામ ઉપલબ્ધ માહિતી આ ઈલેક્ટ્રોનિક માધ્યમથી ચિરંજીવ બને એ માટે આ વેબસાઈટ દ્વારા એમના હજારો વિદ્યાર્થીઓ, વિશાળ મિત્રવૃંદ, સ્નેહીજનો અને અનેક માહિતીવાન્છુઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. અમારી કુટુંબીજનો પાસેની પ્રાપ્ત માહિતી અત્યારે અપલોડ કરી છે. પરંતુ જેમની પાસે જે કોઈ માહિતી/લખાણ/પત્રો પ્રાપ્ત થઇ શકે તે અમને પહોંચાડવા નમ્ર વિનંતી છે. જેના વડે આ વેબસાઈટને વધારે સમૃદ્ધ બનાવી શકીશું.



Copyright © 2023 K.C.Mehta. Developed by Gatisofttech